વિદ્યાનગરઃ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી, નવી દિલ્હી અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના એક પ્રકલ્પ- ગુજકોસ્ટ સાથેના સહયોગમાં ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ- એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન રિસર્ચ દ્વારા તાજેતરમાં નેશનલ લેવલની એક વર્કશોપ યુનિવર્સિટીના આંગણે યોજાઈ ગઈ. આ બે દિવસની વર્કશોપ 10-11 માર્ચે યોજવામાં આવી હતી. આ વર્કશોપનો વિષય ‘પેટન્ટિંગ ઇન ઇન્ડિયન રિજિમ એન્ડ ઇન્વેશન ડિસ્ક્લોઝર્સ.’
આ ઓફલાઇન વર્કશોપમાં રાજ્યની અને અન્ય વિવિધ ફાર્મસી, સાયન્સ, એન્જિનિયરિંગ કોમ્પ્યુટર કોલેજોના 112 જેટલા વિદ્યાર્થીઓ, અભ્યાસુ સંશોધકો તેમ જ વિદ્વાન પ્રોફેસરો જોડાયા હતા.
આ વર્કશોપના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઝાયડસ રિસર્ચ સેન્ટરના જનરલ મેનેજર ડો. કૌશિક બેનરજી ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સન્માનીય મહેમાનોમાં ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન ડો. એસ. પંચોલી, ઇન્ડિયન પેટન્ટ એટર્ની ડો. સંજય તોશનીવાલ, યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરના ડીન ડો. સૌરભ દવે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને જિજ્ઞાસુઓને જ્ઞાનથી પ્રભાવિત કર્યા હતા.
યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ ઉદઘાટન સમારોહમાં ઓનલાઇન ઉપસ્થિત રહીને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રપર્ટી રાઇટ્સ અને પેટન્ટિંગનું સંસ્થાના એક્રેડિટેશનમાં શું મહત્ત્વ છે- એના વિશે સમજ આપી હતી.
આ વર્કશોપમાં વિવિધ વિષયના નિષ્ણાત વિદ્વાનો દ્વારા મુખ્ય વિષયની વિવિધ થિયરીઝ અને હેન્ડ્સ-ઓન પ્રેક્ટિકલ સેશન દ્વારા ભાગ લેનારા વિદ્યાર્થીઓ, અભ્યાસુ સંશોધકો અને પ્રાધ્યાપકોને જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.
આ વર્કશોપના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન અને વક્તા ડો. પદ્મીન બુચ (સિનિયર કોર્પોરેટ સલાહકાર –IPS એક્સપર્ટ) હાજર રહ્યા હતા અને પોતાના વિષયની ઊંડી સમજ આપી હતી. ફાર્મસી કોલેજના પ્રો. અને ડીન ડો. પરેશ પટેલ અને પ્રો. ડો. કલ્પેશ પટેલે આ વર્કશોપની સફળતામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.