અમદાવાદ શહેરમાં બિલ્ડીંગો અને રસ્તાના કિનારે મોટા મોટા સાઇનબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ લગાવેલા છે. આ હોર્ડિંગ અને સાઇનબોર્ડનું સ્ટ્રક્ચરની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે શહેરના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઇનબોર્ડ ધરાશાયી થતાં ટુ વ્હીલર પર જઇ રહેલા પરિવારને અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતમાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર શહેરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય રોડ પર સાઇન બોર્ડ લગાવેલું છે. જે અચાનક ધરાશાયી થઇ ગયું હતું. આ દરમિયાન ત્યાંથી ટુ વ્હીલર પર પસાર થઇ રહેલા એક પરિવાર પર આ સાઇનબોર્ડ પડ્યું હતું. જેના લીધે એક બાળકોનો હાથ ભાંગી ગયો હતો, જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પરિવારના સભ્યોને હોસ્પિટલ ખસેડ્યા હતા. નોંધનીય છે કે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ઘટના બાદ મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે, કે જો કોઇ જાનહાનિ થઇ હોત તો કોણ જવાબદાર હોત? જ્યારે આ સાઈનબોર્ડેની મજબૂતી સહિતના અનેક સવાલો મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે થઇ રહ્યા છે. સામાન્ય પવનમાં સાઇનબોર્ડ ધરાશાયી થઇ ગયું હતું. જો શહેરમાં ભારે પવન ફૂંકાય તો અમદાવાદમાં ઠેર-ઠેર લાગેલા મોટા મોટા હોર્ડિંગ અને સાઇનબોર્ડ તૂટી શકે છે અને મોટી જાનહાનિ પણ સર્જાઇ શકે છે.
આ અગાઉ થોડા મહિના પહેલા મુંબઇમાં સાઇનબોર્ડ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા હતા જ્યારે 50થી વધુ ઘાયલ થયા હતા. જો સમયસર ચકાસણી કરવામાં ન આવે તો મુંબઇવાળી અમદાવાદમાં થાય તેમાં કોઇ નવાઇ નથી. હવે જોવાનું એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને એલર્ટ થાય છે કે પછી કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ તેની રાહ જોશે.