અમદાવાદઃ દેશનાં નાનાં-મોટાં શહેરોમાં કૂતરાં પાળવાનું ચલણ વધતું જાય છે. જોકે પાળતુ કૂતરાના ત્રાસના લીધે સોસાયટીઓ અને ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાળતુ કૂતરા ચાર મહિનાની બાળકીને બચકાં ભરતાં તેને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની ટીમે બાળકીને મૃત જાહેર કરી હતી. પાળતુ કૂતરાએ બાળકીને બચકાં ભરી ફાડી નાખતાં આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો છે અને પાળતુ કૂતરાને લઇને ભારે ફફડાટ વ્યાપી ગયો હતો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાળતુ કૂતરા લઇને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતચીત કરી રહી હતી તે સમયે અચાનક કૂતરો હાથમાંથી છટકી ગયો હતો અને તેણે યુવતી અને ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કરી બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ દુર્ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
નવા કાયદામાં શું છે સજાની જોગવાઈ
હકીકતમાં નવા કાયદા બાદ જો તમારો કૂતરો કોઈને કરડે તો તમારા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 291 હેઠળ કેસ દાખલ થઈ શકે છે, તેમાં છ મહિનાની જેલ કે 5000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં જેલ અને દંડ બંને સજાઓ થઈ શકે છે. હવે તે કોગ્નિઝેબલ (Cognizable) ગુનો છે. તેવામાં FIR જરૂર દાખલ થશે.
