નવજાત બાળકી કલોલ રેલવે સ્ટેશનેથી મળી આવી, માતાપિતાની શોધમાં પોલિસ

અમદાવાદ-માતાપિતાની માણસાઈ ખૂટી કે મજબૂરી આડી આવી, જે હોય તે, પરંતુ જે બાળકીનો નાયડો પણ ખર્યો નથી તેવી એક નવજાત બાળકીને ત્યજી દેવાયાંનો મામલો બહાર આવ્યો છે. અમદાવાદના કલોલ રેલવે સ્ટેશન પરથી એક બાળકી મળી આવી હતી.જાણવા મળ્યાં પ્રમાણે અજાણ્યા શખ્સો આ નવજાત બાળકીને મુકીને ફરાર થઇ ગયાં હતાં. પોલિસને જાણ કરવામાં આવતાં પોલિસે બાળકીને એમ્બ્યુલન્સ મારફતે પીએચસી સેન્ટરમાં મોકલી આપી છે. બાળકીનાં માતાપિતા સામે સાબરમતી રેલવે પોલિસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકી પાંચેક દિવસની હોઈ શકે છે.

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની નજરે આ બાળકી પડી હતી જેને લઇને કલોલના નાનકડાં એવા સ્ટેશન પર હલચલ મચી ગઈ હતી.બાળકી મળી આવી ત્યારે તેની નાળ પણ ખરી ન હતી.  બાળકી અંગે જાણ થતાં સ્થાનિક અધિકારીઓ અને લોકો દ્વારા પહેલા તેનાં માતાપિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમની કોઇ ભાળ મળી ન હતી. છેવટે બાળકીને એમ્બ્યુલન્સ મારફતે પીએચસીમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. સાબરમતી પોલીસે આ અંગેનો અજાણ્યા માતાપિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.પોલીસ કલોલ પોલીસ સ્ટેશન પરનાં લોકોની પૂછપરછ પણ કરાશે. આ ઉપરાંત શક્ય એટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને બાળકીને કોણ આ રીતે મૂકી ગયું તેની પણ તપાસ કરવામાં આવશે.