દુબઈના ઉદ્યોગપતિ ભરતભાઈ શાહનું રાજકોટમાં નિધન

રાજકોટઃ મૂળ સુરેન્દ્રનગરના, પણ દાયકાઓથી દુબઈમાં વસેલા જાણીતા ઉદ્યોગપતિ તથા સેવાકાર્યો થકી ‘ફાધર ટેરેસા’ તરીકે જાણીતા એવા ભરત શાહ (૮૭)નું આજે રાજકોટ સ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. અંબાણી પરિવાર સાથે ઘરોબો ધરાવનારા ભરતભાઈ તથા ધીરુભાઈ અંબાણીની કારકિર્દી એડનમાં સાથે શરૂ થયેલી. બન્ને એક જ રૂમમાં રહેતા. એ પછી ધીરુભાઈએ મુંબઈને કર્મભૂમિ બનાવી જ્યારે ભરતભાઈએ દુબઈને. ભારત આવીને ધંધામાં જામી ગયેલા ધીરુભાઈએ તેમને દુબઈમાં રિલાયન્સના કો-ઓર્ડિનેટર નીમ્યા.

ખાડી દેશોના તમામ રાજકીય માંધાતા સાથે ભરતભાઈને નિકટના સંબંધ હતા. યુએઈ જનાર કોઈ પણ ભારતીય માટે ભરતભાઈના દરવાજા ખુલ્લા રહેતા ને અધરાતે મધરાતે એ કોઈને મદદ કરવા તત્પર રહેતા. ઉલ્લેખનીય છે કે “પ્રવાસી ભારતીય દિવસ”ના ઈતિહાસમાં યુએઈના એનઆરજીને સૌપ્રથમ વાર એવોર્ડ મળ્યો હોય તો એ ભરતભાઈ શાહને. આવા ખમતીધર ઉદ્યોગપતિ તથા સેવાભાવી સજ્જનને ચિત્રલેખાની આદરાંજલિ…