અમદાવાદઃ કોરોનાને કારણે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના કલબલાટ, શોરબકોર વગર જાણે કે ખંડેર થઈ ગઈ છે. સૌ ભણે એ માટે સરકાર ટી.વી. અને ઓનલાઇન શિક્ષણ આપવા પ્રયત્નો કરે છે, પરંતુ સૌના ઘેર ટી.વી. અને મોબાઇલની વ્યવસ્થા નથી હોતી. સુખ-સુવિધાથી વંચિત લોકો પણ શિક્ષણ મેળવી શકે એટલે શેરી શિક્ષણ અને બ્રિજ કોર્સના પ્રયોગ સરકારી શાળઓ દ્વારા કરવામાં આવ્યા છે.
નરોડાની નજીક આવેલા વહેલાલ ગામમાં શિક્ષકોએ વહેલી સવારે ઓનલાઇન શિક્ષણ બાદ શેરી શિક્ષણ અંતર્ગત રૂબરૂમાં વિદ્યાર્થીઓને અભ્યાસ આપવાનું શરૂ કર્યું. શૈક્ષણિક કાર્ય પણ એવી જગ્યાએ ગોઠવ્યું, જેમાં સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. વહેલાલ ગામની સરકારી શાળાના સંચાલક જગદીશ પંચાલ ચિત્રલેખા.કોમને કહે છે, સરકારી શાળામાં કેટલાંક બાળકોના ત્યાં ટી.વી. અને મોબાઇલ પણ નથી.
ગરીબ વર્ગમાંથી આવતા બાળકો માટે સરકારે બ્રિજ કોર્ષ શરૂ કર્યો છે. જેથી તેમને રૂબરૂ શિક્ષણ આપી શકાય અને પણ પાયો પાકો થાય. ધોરણ- 1થી 3નાં બાળકોના જૂથને શાળાના શિક્ષકો ઘેર-ઘેર શેરી મહોલ્લામાં જાતે જઈ શિક્ષણ આપવા પ્રયાસ કરે છે. જ્યારે 4,5,6,7 અને 8નાં બાળકોને ભેગા કરી વહેલાલ ગામના તળાવ અને વૃક્ષોના રમણીય વાતાવરણમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. કોરોનાને કારણે વિખૂટા પડેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કુદરતી વાતાવરણમાં ભેગા થઈ આનંદ કિલ્લોલ સાથે શિક્ષણ મેળવે છે. વૃક્ષ નીચે શિક્ષણની સાથે સ્વાસ્થ્ય સારુ રહે એ માટે થોડી હળવી કસરતો પણ કરે છે. ઓનલાઇન કરતાં ઓફલાઇન શિક્ષણમાં વહેલાલ શાળાના શિક્ષકો બાળકો વધુ આનંદ મેળવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
