અમદાવાદમાં શોપિંગ કોમ્પલેક્સમાં ભીષણ આગમાં 20 દુકાનો ખાખ

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા મોટા ભાગે મોબાઇલની તેમજ અન્ય એવી અંદાજે 20થી વધુ દુકાનો આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઇ ગઈ હતી.

બાપુનગર વિસ્તારમાં આવેલું શ્યામ શિખર કોમ્પલેક્ષ વેપાર-ધંધાથી ધમધમતો વિસ્તાર છે. આ કોમ્પલેક્સમાં રહેઠાણો પણ આવેલા છે. આજે વહેલી સવારે કોમ્પલેક્ષની દુકાનોમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઇ ગયો હતો. ઘટનામાં 20થી વધુ દુકાનો ઝપટમાં આવી ગઇ હતી.

અમદાવાદ શહેર ફાયર બ્રિગેડની ટીમ જાણ થતાં તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી હતી. એ સાથે જ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રજ્ઞેશ વ્યાસ