અમદાવાદમાં ખાણીપીણીમાં ભેડસેડના કિસ્સા અવારનાવાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ પાછલા થોડા સમયથી ખાણી પીણીમાંથી મરેલા જીવજંતુ નીકળવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરની નામચીન હોટલમાંથી ખાવાની વાનગીમાંથી જીવડા નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ગણાતી હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા ચકચાર મચી ગયો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. ફૂડ વિભાગે વિડીયો જોયા બાદ સ્થળ ઉપર જઈ હયાત હોટલના કિચનને સીલ કર્યુ હતુ.
વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાત ખાતે એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમયે પીરસવામાં આવેલી સંભારમાંથી વંદો નીકળતા ત્યાં હાજર લોકોએ વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યો હતો. વાયરલ વિડીયો અને મળેલી ફરીયાદના આધારે મ્યુનિ.ના હયાત હોટલને કિચન કલોઝર નોટિસ આપી સીલ કર્યું છે. આ ઉપરાંત બીજી બાજું નવરંગપુરા વિસ્તારમાં આવેલ સેમ્સ પીઝાના કોલ્ડીંક્સમાં મચ્છર હોવાની ફરિયાદ પછી આ એકમને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હયાત હોટેલમાં રુચિ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાકટ આપ્યો છે.
નોંધનીય છે કે આ અગાઉ પણ અમદાવાદ શહેરની મોંઘીદાટ હોટેલોમાંથી મરેલા કે જીવતા જીવજંતુ નિકળવાની ઘટના બની છે. આ અગાઉ ત્રણ દિવસ પહેલા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને મળતા ત્યાં ચેકિંગ હાથ ધરી પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.