અમદાવાદ- ગુજરાતના રાજકોટના યાત્રાળુઓને ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે.આ અકસ્માતમાં 9 ગુજરાતી યાત્રાળુઓના મોત નીપજ્યાં છે. મૃતકોમાં 7 પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે, જેમને ગંગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે.છે અને અકસ્માત સ્થળે એસ.ડી.આર.એફ. દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.સાડા આઠ વાગે બહાર આવેલી પ્રાથમિક વિગતો મુજબ ઉત્તરકાશી જિલ્લાના ભટવારી નજીક, સોનાગઢમાં મિની-બસ ઊંડી ખીણ ઉતરી ગઈ હતી.બસ ખીણમાં પલટી ખાઈ જતાં સર્જાયેલાં અકસ્માતમાં મોતને ભેટનાર યાત્રાળુઓ રાજકોટના છે તે જાણવા મળે છે જોકે મૃતકોના નામ અંગે ઉત્તરાખંડ પ્રશાસન દ્વારા હાલ ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મૃતકોમાં હેમરાજભાઈ, ભગવાનભાઈ પપ્પુભાઈ, કુંદનબહેન, કંચનબહેન, મુક્તાબહેનના નામ હાલમાં જાણવા મળી રહ્યાં છે.
જે રુટ પર અકસ્માત સર્જાયો છે તે ચારધામની યાત્રાનો રુટ હોવાથી માનવામાં આવી રહ્યું છે કે આ ગુજરાતીઓ ચારધામની યાત્રાંએ ગયાં હતાં. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.