અમદાવાદઃ ગુજરાત કસ્ટોડિયલ ડેથમાં દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે. 2019-20ની તુલનાએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ ડેથમાં બમણો વધારો થયો છે. આ સ્ફોટક ખુલાસો ગુજરાત લો-કમિશનના અહેવાલમાં થયો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઊભો થાય છે, કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
રાજ્યમાં ‘માનવ અધિકારોનું’ મોટા પાયે ઉલ્લંઘન અને સત્તાના દુરુપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડિયલ ડેથ પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યમાં સતત વધી રહેલા કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ કાયદાના શાસનથી ચાલે છે.
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે એ માટે પણ તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ. માનવ અધિકારનું સન્માન અને માનવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે.
130 પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા નથી
સુપ્રીમ કોર્ટના 24 જુલાઈ 2015ના ચુકાદામાં CCTV કેમેરા લગાવવા માટે આદેશ છતાં ગુજરાતમાં 130 પોલીસ સ્ટેશનમાં આજ સુધી સુધી CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. CCTV કેમેરા લગાવવાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધીશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે.
છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડfકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતનાં કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે.