સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિલેનિયમ કોમ્પલેક્સમાં સ્થિત અનભ જેમ્સ કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં કામ કરતા 100 જેટલા રત્નકલાકારોમાંથી 70ની તબિયત અચાનક બગડી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ નામની કીટનાશક દવાની પડીકી નાખવાથી બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં, તમામ કારીગરોની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જણાવાયું છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં ચિતાનું વાતાવરણ સર્જ્યું છે.
આ ઘટના અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, કોઈ અસમાજિક તત્વએ પાણીની ટાંકીમાં સેલ્ફોસ દવાની પડીકી ઉમેરી હોવાનું સામે આવ્યું છે. રત્નકલાકારોએ તબિયત બગડવાની ફરિયાદ કરતાં કારખાનાના માલિકે તુરંત પગલાં લઈને તમામને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવતા ફોરેન્સિક ટીમને તપાસ માટે બોલાવી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે, જેથી આરોપીની ઓળખ થઈ શકે અને તેની સામે કડક કાર્યવાહી કરી શકાય.
આ ઘટનાએ કારખાનાઓમાં કામ કરતા કારીગરોની સુરક્ષા અને પીવાના પાણીની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે, જેમાં દવા કેવી રીતે અને કોના દ્વારા પાણીમાં ઉમેરાઈ તેની ચોકસાઈ કરવામાં આવશે. સ્થાનિકો અને કારીગરોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સખત પગલાંની માંગ ઉઠી રહી છે. હાલ પોલીસ આ મામલે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરવા પ્રયાસ કરી રહી છે.
