અમદાવાદઃ શહેરની જીસીએસ હોસ્પિટલમાં 20 દિવસમાં 6 નવજાત બાળકોના મોત થતા ચકચાર વ્યાપી છે. હોસ્પિટલના નિયોનેટલ વોર્ડમાં દાખલ આ બાળકોનું ઈન્ફેક્શનથી મૃત્યું થયું હોવાની જાણકારી તબીબોએ આપી છે. તો બીજી તરફ પોતાના સંતાનના મોતથી રોષે ભરાયેલા બાળકોના પરિવારે હોસ્પિટલના પ્રાંગણમાં દેખાવો યોજી જવાબદાર ડોક્ટરોના રાજીનામાં અને તેમની સામે કડક પગલા ભરવા માટે માંગણી કરી હતી.
હોસ્પિટલની બેદરકારીના કારણે 6 જેટલા બાળકોનું મૃત્યું થયું હોવાનો આક્ષેપ તેમના પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર બાળકોના વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શુક્રવારે હોસ્પિટલના ડીન ડો. કીર્તિભાઈ પટેલે તેમને હોસ્પિટલ ખર્ચ પરત આપવાની સાથે સમાધાન માટે બોલાવ્યા હતા. વાલીઓએ જવાબદાર ડોક્ટરો સામે પગલા લવાની સાથે તેમના રાજીનામાની માગણી કરી છે. અત્યારે હાલ સમગ્ર મામલે મૃત્યુ પામેલા બાળકોના પરિજનો રોષે ભરાયા છે અને જવાબદાર ડોક્ટરોના રાજીનામાની માંગણી કરી રહ્યા છે.