ક્રાઇમ બ્રાંચ દ્વારા રૂ. 500 કરોડનું કોકેઇન, MD ડ્રગ્સ જપ્ત

અમદાવાદઃઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સે (DRI)એ મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી રૂ. 500 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. એજન્સી દ્વારા અલગ-અલગ ત્રણ કંપની પર દરોડા પાડી આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ આરોપીઓની  ધરપકડ કરવામાં આવી છે.

DRI અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોકેઈન અને MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઇમ સાથે મળીને અમદાવાદથી પણ ડ્રગ પકડવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી આ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રો મટીરિયલ અને ડ્રગ્સ સાથે કુલ 500 કરોડના ડ્રગ્સનો મુદ્દા માલ ઝડપાયો છે. મુખ્ય આરોપીના ઘર અને ફેકટરીથી ડ્રગ્સ ઝડપાયું છે.  ક્રાઇમ બ્રાન્ચની બાતમીને આધારે DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ અને ડીસીપી ડ્રગ્સ મામલે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ઔરંગાબાદની એક કડી મળી હતી. જે બાદ આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈએ DRI પાસે મદદ માગી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને DRIની ટીમે એક એક્શન પ્લાન બનાવ્યો હતો અને બંને ટીમો સીધી ઔરંગાબાદમાં પહોંચી હતી.

આ દરમિયાન તેમણે ઔરંગાબાદના ઔદ્યોગિક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એક કારખાનામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતાં  ક્રાઇમ બ્રાન્ચ અને DRIની ટીમ ચોંકી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને DRIની સંયુક્ત કાર્યવાહીમાં રૂ. 200 કરોડનું ડ્રગ્સ અને રૂ. 300 કરોડનું રો-મટિરિયલ મળી કુલ 500 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.