બનાસકાંઠામાં 50 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડઃ હાર્દિકનો આક્ષેપ

પાલનપુરઃ કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડનગરના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે આ માટે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે મનરેગા મારફતે ગરીબ લોકોને રોજગાર અપાતી હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યા છે, પણ કોરોના રોગચાળા દરમ્યાન સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ કરોડો રૂપિયા ચાંઉ થયા હોવાનો ગંભીર આક્ષેપ આ નેતાઓએ કર્યો છે.

મનરેગામાં કૌભાંડની કાર્યપદ્ધતિ

બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામમાં 10 કરોડના મોટા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમ જ અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કર્યો છે. મનરેગામાં કામ ના કર્યું હોય તેવા લોકોના બેન્કમાં ખાતાં ખૂલી ગયાં છે અને તેમનાં જોબકાર્ડ પણ બની ગયાં છે, એમ હાર્દિક પટેલે કહ્યું હતું તો બીજી બાજુ TDOની સહીથી ભૂતિયા જોબકાર્ડધારકોને પેમેન્ટ કરવામાં આવ્યું છે, એવો આક્ષેપ મેવાણીએ કર્યો હતો.  

હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે અને મનરેગા હેઠળ ગરીબોના પૈસા ચાઉં કરી જવાય છે. હાર્દિક પટેલે કહ્યું છે કેક લોકોનાં બેન્ક ખાતાંઓ ખોલાવી પૈસા ઉપાડી લેવામાં આવે છે અને ભાજપ સમર્થક સરપંચ અને TDO દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી 50થી 100 લોકોનાં ખોટાં એકાઉન્ટ અને જોબકાર્ડ બનાવવામાં આવ્યાં છે.

 જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે, ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. બનાસકાંઠામાં 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે. આ મનરેગાનું કૌભાંડ 50 કરોડની આસપાસનું છે.