વરસાદના કારણે ખાડા પડી જતાં વડોદરા પાસે 5 કિમીનો લાંબો ટ્રાફિકજામ..

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ગુરૂવારે સાંજે વડોદરામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના લીધે આજે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર આવેલા જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે.

વડોદરામાં ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. જેના લીધે આજે વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં દરરોજ સવાર સાંજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાયા છે. જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે વહેલી સવારથી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી છે. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.