અમદાવાદ– આ ઊનાળે અત્યંત આકરે પાણીએ આવેલા સૂર્યનારાયણ આભમાંથી અગન વરસાવી રહ્યાં હોવાનો સાક્ષાત્કાર થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ભારે ગરમીએ પરચો દેખાડ્યો છે. બહાર ન નીકળવાની સલાહ માની ઘરમાં રહેનારાં આબાલવૃદ્ધો ઘરની દીવાલોમાંથી પણ અગનભઠ્ઠીનો તાપ અનુભવી રહ્યાં છે. શહેરમાં દ્વીચક્રીય વાહનો પર અને પગપાળા પસાર થવું મુશ્કેલ બન્યું છે. રવિવારે અમદાવાદમાં આ વર્ષનું સૌથી વધુ 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ અગનવર્ષા થઈ હતી.રાજ્યમાં મહત્તમ શહેરોના તાપમાનનો પારો 45 ડિગ્રીથી 47 ડિગ્રી રહ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીના કારણે બફારાનું અને રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડોક્ટરોની સલાહ પ્રમાણે બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. ગરમીથી બચવા માટે તડકામાં સફેદ વસ્ત્રો પહેરવા જોઇએ અને ખુલ્લા ખોરાક, અશુદ્ધ આહાર અને અશુદ્ધ પાણી પીવાથી બચવું જોઇએ.