મારુતિ સુઝુકીનાં 40 વર્ષ પૂર્ણઃ PM મોદી ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે થોડાક જ મહિના પહેલાં એક નવી EV નીતિની જાહેરાત કરી હતી, જેમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો અને તેની ઉત્પાદન ઇકોસિસ્ટમને વિકસાવવા માટે સંખ્યાબંધ જોગવાઈઓ અને પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની આ નીતિનો લાભ લઈને મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ-આયર્ન બેટરી પ્લાન્ટ રાજ્યમાં સ્થાપી રહી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું કે તેમની કંપની ટૂંક સમયમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડલ તાલુકામાં ઓટોમોટિવ રિસાઈકલિંગ ફેસિલિટી માટે રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ કરશે.

દેશની સૌથી મોટી કારઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ આ વર્ષે 40 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે કંપની દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેના એક આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. વડા પ્રધાન મોદી આવતી કાલથી રાજ્યની બે દિવસીય મુલાકાતે આવવાના છે.તેમની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ તેમ જ રાજ્યના અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે.

રાજ્યના હાંસલપુરમાં કંપની ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, જે વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે. રાજ્ય સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે મારુતિ સુઝુકી કંપનીએ છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં રૂ. 16,000 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર કંપની રાજ્યમાં આ કોમ્પોનન્ટ સપ્લાયર્સ દ્વારા આશરે રૂ. 7300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યાનાં આઠ વર્ષ બાદ ગુજરાત દેશનું “મોસ્ટ ઇન્ડસ્ટ્રિયલાઇઝ્ડ સ્ટેટ” બન્યું છે. છેલ્લા 8 વર્ષમાં દેશના કુલ 31.3 લાખ કરોડ રૂપિયાના રોકાણમાંથી 17.7 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ એટલે કે 57 ટકા માત્ર ગુજરાતમાં આવ્યા છે. એટલું જ નહીં, છેલ્લાં 8 વર્ષમાં ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે 18 ટકા યોગદાન આપી રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]