રાજકોટ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસે ગેરકાયદે રહેતા 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. આ સાથે, રાજકોટમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે. પોલીસે આ તમામની પૂછપરછ શરૂ કરી છે, અને યોગ્ય તપાસ બાદ તેમના ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી રાજ્ય સરકારના ઘૂસણખોરી સામે કડક પગલાં લેવાના આદેશને અનુસરીને કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ પાકિસ્તાની નાગરિકો લગભગ બે દાયકાથી રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતા હતા. તેઓ વર્ષો પહેલાં રાજકોટ આવ્યા હતા અને પરત ફર્યા ન હતા. લોધીકા તાલુકામાં ગ્રામ્ય LCBને મળેલી બાતમીના આધારે આ ચારેય પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. આ દરમિયાન, તેમની પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા, પરંતુ પૂછપરછમાં તેમણે પાકિસ્તાની નાગરિક હોવાનું કબૂલ્યું. આ પૈકી એક સગીર પણ છે.
બીજી તરફ, રાજકોટના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા અને જંગલેશ્વર જેવા વિસ્તારોમાં પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 6 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. અગાઉની કાર્યવાહીમાં ઝડપાયેલા 15 બાંગ્લાદેશીઓને ધ્યાનમાં લેતા, કુલ 21 બાંગ્લાદેશીઓ પકડાયા છે. આ તમામ બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળની સરહદ દ્વારા ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને SOG ટીમ હાલ વધુ તપાસ કરી રહી છે, જેમાં આ ઘૂસણખોરોના ઇરાદા અને સંભવિત આતંકવાદી જોડાણોની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે. પૂછપરછ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે, અને તમામ વિદેશી નાગરિકોની ઓળખની પુષ્ટિ થતાં તેમને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે.
