વડોદરાઃ સામાજિક વનીકરણ અને વૃક્ષઉછેરમાં લોકભાગીદારી થકી ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો હોવાનું એક કાર્યક્રમમાં ભાગ લેવા દરમિયાન નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગની નિષ્ઠાવાન અને સંકલ્પબદ્ધ કામગીરી અને વૃક્ષઉછેરના કામમાં લોકશક્તિને જોડવાના અભિગમને કારણે રાજ્યમાં વૃક્ષોની સંખ્યામાં 37 ટકાનો વધારો થયો છે.નાયબ સીએમ વરણામા ગામે BITS એજ્યુકેશન કેમ્પસ ખાતે પૂજન સાથે વૃક્ષારોપણ કરીને વડોદરા જિલ્લાના ૬૯મા વન મહોત્સવનો પ્રારંભ કરાવતાં આમ જણાવ્યું હતું. સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી. જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે નીમકોટેડ યુરીયાના નવતર પ્રયોગ દ્વારા ખાતરની અસરકારકતા વધારી અને તેનો દુરૂપયોગ અટકાવ્યો છે. લીંબોળી જેવી ગૌણ વનપેદાશોના એકત્રીકરણના કામોમાં બહેનોને રોજગારી આપીને મહિલા સશક્તિકરણ કર્યું છે. તેમણે વૃક્ષઉછેરમાં સહયોગના બીટસના સંચાલકોના અભિગમને બીરદાવ્યો હતો અને ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ સેવા અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે શિક્ષણના સૌજન્યની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે મહિલા વૃક્ષઉછેર સહકારી મંડળીઓને અનુદાનના ચેક્સનું, વનીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનારા વનપાલોને પ્રશસ્તિપત્રોનું અને પોતાની જમીનોમાં નોંધપાત્ર વૃક્ષઉછેર કરનારા સાવલી તાલુકાના ગરધીયાના મૂળજીભાઇ મગનભાઇ પટેલ અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું. વન્ય પ્રાણી વર્તુળ, વડોદરાના વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું કે, વન મહોત્સવના ભાગરૂપે સામાજીક વનીકરણ વિભાગે આ વર્ષે જિલ્લાના ૪૦ ગામોને હરિત ગામો બનાવવાનો સંકલ્પ કર્યો છે. ૧૧૭ હેકટર સરકારી અને ૭૪૧ ખાનગી જમીનોમા; લક્ષિત વૃક્ષઉછેર કરવાનું આયોજન છે.
સામાજિક વનીકરણ વિભાગે લોકો અને સંસ્થાઓને વૃક્ષઉછેરમાં સહભાગી બનાવવા કુલ ૨૮.૨૮ લાખ રોપાઓનો ઉછેર કર્યો છે. વડોદરા જિલ્લાની ૨૧ ખાતાકીય નર્સરીઓમાં ૧૫.૫૩ લાખ અને મહિલા નર્સરીઓમાં ૧૨.૭૫ લાખ મળીને ઔષધીય, ફળાઉ અને અન્ય રીતે ઉપયોગી પ્રજાતિઓના કુલ ૨૮.૨૮ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેનું નજીકની નર્સરીઓમાંથી લોકો અને સંસ્થાઓને ધારાધોરણ પ્રમાણે વિતરણ કરાશે.કેમ્પસમાં વિવિધ પ્રજાતિઓના ૧૧૧૧ રોપાઓનું વાવેતર કરાયું હતું. વન વિભાગે હવે પછી જિલ્લામાં તાલુકા અને ગ્રામ કક્ષાએ સઘન વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવાનું જાહેર કર્યું હતું.