નવરાત્રિ વેકેશન વિવાદમુદ્દે ભાજપે કોંગ્રેસની કરી તીખી આલોચના

ગાંધીનગર- નવરાત્રિ વેકેશનનો વિવાદ ગરમાઈને હવે રાજકીય હૂંસાતૂસીનો વિષય બની રહ્યો છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આ સંદર્ભે કોંગ્રેસ સામે આક્ષેપો કરતાં આલોચના કરી હતી કે કોંગ્રેસ જેએનયુમાં દેશવિરોધી, માનવતા વિરોધી અને સંસ્કૃતિવિરોધી કાર્યક્રમોનો વિરોધ કરતી નથી અને અહીં નવરાત્રિ વેકેશન માટે વિરોધ કરીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. નવરાત્રિ દેશવિદેશમાં ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે, શક્તિ-ભક્તિ, આધ્યાત્મિક, ઉત્સાહ અને ઉત્સવનું પ્રતીક છે.પંડ્યાએ વધુમાં જણાવ્યું કે નવરાત્રિ વેકેશન એ વાલીઓ અને વિદ્યાર્થીઓની લાગણીમાગણી હતી. તમામ યુનિવર્સિટીઓએ પણ કુલપતિઓની બેઠકમાં નિર્ણય કરી એકેડેમિક કેલેન્ડરમાં વ્યવસ્થા કરી છે. ભણતરના દિવસો બગડવાના નથી.

કોંગ્રેસ હંમેશા દેશની સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતાની વિરૂદ્ધમાં જ રહીને વિવાદ ઊભો કરવાનો કેમ પ્રયાસ કરે છે તે સમજાતું નથી. કોંગ્રેસ જે.એન.યુ.માં દેશવિરોધી, માનવતા વિરોધી અને સંસ્કૃતિ વિરોધી કાર્યક્રમોનો કોંગ્રેસ વિરોધ કરતું નથી અને અહીંયા ‘નવરાત્રીવેકેશનનો કોંગ્રેસ વિરોધ કરીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. કોંગ્રેસ “વિકાસ”નો વિરોધ કરે, કોંગ્રેસ “નર્મદા”નો વિરોધ કરે અને હવે કોંગ્રેસ “નવરાત્રિ”નો પણ વિરોધ કરે છે ત્યારે ગુજરાતની યુવાશક્તિ અને મહિલાશક્તિ કોંગ્રેસની આ નકારાત્મકતાને જોઈ રહી છે. આગામી સમયમાં કોંગ્રેસને તેનો જડબાતોડ જવાબ આપશે તેમ પણ ભરત પંડ્યાએ જણાવ્યું હતું.