રાજકોટઃ રાજ્યમાં સાયબર છેતરપિંડીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે, જેમાં દરરોજ કોઈ ને કોઈ રીતે નિર્દેોષ લોકો ભોગ બને છે ત્યારે આવી જ એક સાયબર છેતરપિંડીની ઘટના રાજકોટમાં બની છે જેમા 35 જેટલા વકીલો આ સાયબર છેતરપિંડીનો ભોગ બનતા રેવન્યુ બાર એસોસિએસન દ્વારા પોલીસને ફરિયાદ કરી હતી.
રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કરનાર એક-બે નહીં, પણ 35 જેટલા વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા ઊપડી જતાં રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ પોલસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં કેટલાક વકીલોના ખાતામાંથી રૂ. 9990 જેટલી રકમ કપાઈ ગઈ હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ થતા સાયબર ક્રાઇમની પોલીસની ટીમે આ રુપિયા કેવી રીતે કપા તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ મામલે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ જણાવ્યું હતું કે 35 જેટલા વકીલોના બેંક ખાતામાંથી રુપિયા કપાઈ ગયાની જાણ અમને કરવામાં આવી હતી જેના પગલે અમે સાયબર ક્રાઇમમાં અરજી આપી ફરિયાદ નોંધાવી હતી આ માટે ગુજરાત સરકાર અને રિઝર્વ બેંકમાં પણ જાણ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ મામલો ખૂબ જ ગંભીર હોવાથી ઝીણવટભરી તપાસ શરુ કરી દેવામાં આવી છે તેમ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારીએ કહ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે તપાસ કરી રહી છે.
રાજકોટમાં દરરોજ 80 જેટલી અરજીઓ સાયબર છેતરપિંડીની આવે છે. ગત વર્ષે 3500 જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેમાં રૂ. 14.50 કરોડની છેતરપિંડી થઇ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 2900 ફરિયાદ નોંધાઊ છે જેનો આંકડો 16.50 કરોડ સુધી પહોંચ્યો છે.