ગાંધીનગર- અમદાવાદના મેધાણીનગરમાં આવેલ ન્યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્કૂલના ૩૨ વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થી તરીકે 12 માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસવા દેવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.આ શાળાની ધોરણ-૯ અને ૧૦ની માન્યતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળેલી ન હોવા છતાં ધોરણ-૯ અને ૧૦ વિદ્યાર્થીઓને આ શાળાના સંચાલકોએ એડમિશન આપી શિક્ષણ આપવાની કામગીરી કરેલી હતી. આ સંજોગોમાં આ વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આ શાળાના વિદ્યાર્થી તરીકે નિયમાનુસાર મળી શકે તેમ નહોતી. આમછતાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતમાં અને તેમનું શૈક્ષણિક વર્ષ ન બગડે તેવા શુભ આશયથી ખાનગી વિદ્યાર્થી તરીકે તેઓનું પરીક્ષા ફોર્મ સ્વીકારવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
આજે આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઉમેદવાર તરીકે અન્ય માધ્યમિક શાળામાંથી ફોર્મ લઇને તેઓના ફોર્મ ભરાવી દેવાયા છે અને તે ફોર્મ સ્વીકારી પણ લેવાયા છે. પરીક્ષાખંડનું એલોટમેન્ટ પણ કરાવી દેવાયું છે. ઉપરાંત પરીક્ષા સંબંધિત તમામ સામગ્રી પણ પહોંચાડી દેવાઇ છે. આજે જ હોલ ટીકિટનું વિતરણ પણ આ વિદ્યાર્થીઓને કરી દેવામાં આવશે.
જો કે, ધોરણ-૯ અને ૧૦ની માન્યતા ન હોવા છતાં આ ધોરણમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૩૧ (૧)ની જોગવાઇઓનો ભંગ કરવા બદલ આ શાળાના ટ્રસ્ટીઓ સામે સી.આર.પી.સી. ૪૨૦ અને માધ્યમિક શિક્ષણ ધારા કલમ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ન્યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્કૂલ, મેઘાણીનગર, અમદાવાદને ધોરણ-૯ અને ૧૦ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માન્યતા મળી નહોતી, છતાં પણ આ શાળાએ બાળકોને એડમિશન આપી શિક્ષણ આપવાની કામગીરી કરી હતી. આ બાબત ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ કલમ-૩૧ (૧)ની જોગવાઇઓનો ભંગ કરે છે. આ નવચેતન સ્કૂલમાં ધોરણ-૧૦માં ભણતાં ૩૨ બાળકોના ધોરણ-૧૦ની પરીક્ષા ફોર્મ નિયત સમયે ભરાયા ન હતા. કારણ કે, આ શાળાની આ ધોરણ માટેની માન્યતા નહોતી. આ બાબત શાળાના સંચાલકો સુપેરે જાણતા હતા. બોર્ડની પરીક્ષા હોવાથી અને વિદ્યાર્થીઓ હોલ ટીકિટની માંગણી કરશે તો તેઓને શું જવાબ આપવો તેવા ભયથી તા.૨૭ ફેબ્રુઆરીએ શાળા સંચાલકોએ બોર્ડનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વડોદરા ખાતેની બોર્ડની કચેરીનો તા.૨૮ ફેબ્રુઆરીએ સંપર્ક કરવા જણાવાતાં તેઓએ ત્યાં સંપર્ક કર્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે, આ શાળાને ધોરણ-૯ અને ૧૦ માટે મંજૂરી મળી નથી. આથી તેઓએ કાયદાનો ભંગ કર્યો છે. ત્યારબાદ તા. ૩ માર્ચના રોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને પત્ર લખી ફોર્મ સ્વીકારવા માટે રજૂઆત કરી હતી, જે કાયદાના પરિપ્રેક્ષ્યમાં સ્વીકારાઇ નહોતી.
ત્યારબાદ આ શાળાના સંચાલકો તા.૫ માર્ચના રોજ આ મુદ્દે હાઇકોર્ટમાં ગયા હતા. પરંતુ ત્યાં દાદ ન મળતા, તેઓએ તા.૯મીએ રીટ પાછી ખેંચી હતી. તા.૯ માર્ચ પછી વિભાગે આ પ્રશ્ને લીગલ એડવાઇઝરનો પણ અભિપ્રાય મેળવ્યો હતો. પરંતુ, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તેવા વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતમાં ખાનગી વિદ્યાર્થીઓ તરીકે 12 માર્ચથી શરૂ થનારી ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસવા દેવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.