ડિજિટલની વાતોઃ કપરાડાની આ શાળામાં 12 વર્ષથી ઓરડા નથી

વલસાડ-સમૃદ્ધ ગુજરાતમાં હજુ પણ એવા દ્રશ્યો જોવા મળે છે જે વિરોધાભાસી છે. સર્વશિક્ષા પ્રશિક્ષણ ડિજિટલ કરવાના બણગાં ફૂંકાઇ રહ્યાં છે ત્યાં બીજીતરફ  કપરાડાના બુરવડ ગામની પ્રાથમિક શાળાના ૪૧૧ વિદ્યાર્થીઓને ૨૦૦૬થી  કાચાં મકાન અને પતરાંના શેડ નીચે અને ચર્ચના ઓટલે બેસી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. કપરાડા તાલુકાના બુરવડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ૪૧૧ બાળકો સામે માત્ર ત્રણ જ ઓરડા હોવાને કારણે વર્ષ ૨૦૦૬ એટલે કે ૧૨ વર્ષથી  ત્રણ જેટલા વર્ગના વિદ્યાર્થીઓને કાચાં ઘર, પતરાંના શેડ, ચર્ચના ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.એટલું જ નહીં, કાચાં મકાનમાં વિદ્યાર્થીઓને બેસાડીને આભ્યાસ કરવા માટે મકાનનું ભાડું પણ ખુદ શિક્ષકો આપી રહ્યાં છે

કપરાડા તાલુકામાં આવેલા ૧૪૦થી વધુ ગામોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસો જિલ્લા પ્રાથમિક શિક્ષણ દ્વારા કરવામાં આવે છે પરંતુ બાળકોને શિક્ષણ માટે મળવાપાત્ર જરૂરી સુવિધાઓ જે તે સ્કૂલોમાં છે કે નહીં તે જોવા માટે કોઈ સ્થળ પર જતું જ નથી. શિક્ષકો જ નહીં ગ્રામીણકક્ષાના બાળકો કઈ પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યાં છે તે જાણવા તંત્રને ફુરસદ નથી.

બુરવડ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી લઇ ને ધોરણ ૮ સુધીના કુલ ૪૧૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં ધોરણ ૩ ધોરણ ૨ અને ધોરણ ૫ આમ ત્રણ વર્ગના વિધાર્થી માટે ઓરડાની સુવિધા ન હોવાથી હાલમાં ધોરણ ૫ ગામના જ એક અગ્રણીના ખાનગી કાચા મકાનમાં બેસડવામાં આવી રહ્યાં છે અને આ મકાનનું માસિક ભાડું ૬૦૦૦ રૂપિયા ખુદ શિક્ષકો ચૂકવી રહ્યાં છે. તો ધોરણ ૩ના કુલ ૪૭ વિદ્યાર્થીઓને સ્કૂલને અડીને આવેલ ચર્ચના ઓટલા ઉપર બેસાડવામાં આવી રહ્યાં છે તો ધોરણ ૨ના ૪૧ જેટલાં ભૂલકાંઓને સ્કૂલના જ ઓરડા નજીકમાં પતરાનો ખુલ્લો શેડ પાડીને તેમાં અભ્યાસ ક્રમ ચલાવવામાં આવી રહ્યો છે સ્કૂલમાં ન તો કોઈ ટોયલેટની વ્યવસ્થા છે કે ન તો કોઈ પ્રાથમિક સુવિધા છતાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકો દ્વારા ઓરડા ન હોવા છતાં શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું છે.એવું નથી કે સરકારમાં અરજીઓ નથી કરવામાં આવી. આચાર્ય બીસ્તુભાઇના જણાવ્યાં પ્રમાણે ૧૪ ઓરડા બનાવવા માટે વારંવાર અરજીઓ કરવામાં આવી છે પરંતુ સરકારી તંત્રએ કોઈ કામગીરી કરી નથી. થોડા દિવસ પૂર્વે વલસાડ જિલ્લા કલેકટરે શાળામાં જોવા આવ્યાં હતાં અને તેમણે પણ થઇ જશે જેવા વચનો આપ્યાં પણ આજ દિન સુધી કોઈ જોવા સુદ્ધાં નથી આવ્યું. તો કપરાડાના આદિવાસી શિક્ષણની વાતો કરતાં રાજનેતાઓને પણ શાળાની કફોડી હાલત નજરે નથી ચડતી તેનું આશ્ચર્ય થાય તેમ છે.

ઉનાળા શિયાળામાં તો બાળકો આ સ્થિતિમાં અભ્યાસ કરી પણ લે છે પરંતુ ચોમાસામાં બુરવડ સ્કૂલના બાળકોની હાલત અત્યંત દયનીય બને છે કારણ કે પતરાના શેડમાંથી ચોમેરથી આવતું વરસાદી પાણી અને નીચે લીંપણમાં બેસવું પડે છે. ગ્રામીણ બાળકોને શિક્ષણ માટે સારી સુવિધા માટે તત્પર સમાજસેવી સંસ્થાઓનું પણ અહીંની સમસ્યા તરફ ધ્યાન નથી ગયું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]