ગુજરાતમાં 27 અભ્યારણ બનાવવામાં આવ્યા છે. જે ચોમાસાની સિઝન દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જ્યારે હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ત્યારે આ અભ્યારણ પૈકી 26 અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ ભાર વરસાદ છે જેના પગલે કચ્છનું ઘુડખર અભ્યારણ દિવાળી સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ આ અભ્યારણ સુધી કોઈ પણ પ્રવાસીઓ કે વાહન જઈ શકે એમ નથી, એ માટે અભ્યારણ આગામી 31 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દિવાળી વેકેશનમા પ્રવાસીઓ વધારે આવતા હોવાથી આવકમાં પણ મોટો ફટકો પડશે.
કચ્છના નાના રણમાં 4954 ચો. કિમીમાં ફેલાયેલા ઘુડખર અભ્યારણ સહિતના ગુજરાતના તમામ 27 અભ્યારણો દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સસ્તન પ્રાણીઓનો સંવનનનો સમયગાળો હોવાથી એમને ખલેલ ન પડે એ માટે પ્રવાસીઓ માટે સદંતર બંધ રાખવામાં આવે છે. અને 16 ઓક્ટોબર એટલે કે આજથી ગુજરાતના તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. પરંતુ ત્રણ ચાર દિવસ અગાઉ કચ્છના નાના રણમાં ખાબકેલા મુશળધાર ત્રણ ઇંચ વરસાદના પગલે અને બીજીબાજુ બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી સહીત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની 110 નદીઓના પાણી રણમાં ફરી વળતા હાલમાં કચ્છનું નાનું રણ મીની સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. જેથી ઘુડખર અભ્યારણ દિવાળી પછી પ્રવાસીઓ માટે ખુલશે. હાલ અભ્યારણ વિભાગ દ્વારા રણ 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે તાજેતરમા કરાયેલી વસ્તી ગણતરી અનુસાર આ વર્ષે ઘુડખરની સંખ્યામાં 26% ના વધારા સાથે ઘુડખરની સંખ્યા 7672 એ પહોંચી છે.
