અમદાવાદઃ મહારાષ્ટ્ર પછી ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં સૌથી વધુ ડીમેટ અકાઉન્ટહોલ્ડર છે. શેરબજારમાં નાનાથી માંડીને મોટા રોકાણકાર છે. ગુજરાતીઓ સ્માર્ટફોનથી શેરની ખરીદ-વેચાણ કરે છે. જોકે હાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા છ મહિનામાં 190 ગુજરાતી પ્રતિદિન અપરાધીઓનો શિકાર બની રહ્યા છે અને સરેરાશ રૂ. 84 લાખ ગુમાવી રહ્યા છે. પોલીસની સાઇબર હેલ્પલાઇનના ડેટામાં આ ખુલાસો થયો છે.
એક અહેવાલ અનુસાર સાઇબર હેલ્પલાઇન 1930 પર પહેલી એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે 34,464 કોલ આવ્યા હતા. સાઇબર ક્રાઇમની આ ફરિયાદોમાં રૂ. 150 કરોડની છેતરપિંડી થઈ છે. ગુજરાત પોલીસના સાઇબર ક્રાઇમ સેલે રૂ. 38 કરોડ ફ્રીઝ કરાવ્યા તો પીડિતોને માત્ર રૂ. સાત કરોડની રકમ મળી છે. આવામાં સરેરાશ પ્રતિદિન 190 ગુજરાતીઓને રૂ. 84 લાખનું નુકસાન થયું છે. સાઇબર અપરાધી તેમનાં ખાતાંઓમાંથી રૂપિયા કાઢીને લઈ ગયા હતા.
ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર એ રકમ આનાથી પણ વધુ હોઈ શકે છે, કેમ કે આર્થિક ગુનાના કેટલાક કેસોમાં લોકોએ પરિયાદ નથી નોંધાવી, કેમ કે ઓનલાઇન લૂંટવામાં આવેલી રકમ ઓછી હતી.
ગુજરાતના DGP આશિષ ભાટિયા કહે છે કે પીડિત સાઇબર અપરાધીની ફરિયાદને આધારે તેમની રકમનો દાવો કરી શકે છે. જો તેમણે સાઇબર ક્રાઇમ પોર્ટલ પર તેમની ફરિયાદ નોંધાવી હોય તો. આ ફરિયાદ નોંધાતાં જ વેબસાઇટથી જોડાયેલી 100થી વધુ નાણાકીય સંસ્થાઓમાં લૂંટેલી રકમને ફ્રીઝ કરવાનો મેસેજ જતો રહે છે. આવામાં આ સંસ્થાઓ તરત સાઇબર અપરાધીઓની પાસે ગયેલી રકમને ફ્રીઝ કરી દે છે. પોલીસે 10,974 નોટિસ જારીને કરીને રૂ. 38,33,04,911ની રકમ હોલ્ડ કરાવી છે. આમાંથી રૂ. 6.87 કરોડ પીડિતોને પરત આપવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.