રાજ્યના મતદારોને આકર્ષવા ભાજપની ‘ગૌરવ યાત્રા’નો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ગૌરવ યાત્રા કાઢશે. ભાજપ દ્વારા પાંચ અલગ-અલગ ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે બે યાત્રાઓને લીલી ઝંડી બતાવી હતી. આ યાત્રાઓ રાજ્યના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએથી શરૂ થશે. પહેલી યાત્રા મહેસાણાના બહુચરાજીથી શરૂ થશે, જ્યારે બીજી યાત્રા દ્વારકાથી બપોરે બે કલાકે શરૂ થશે.

રાજ્યમાં 10 દિવસો સુધી ચાલનારી ગૌરવ યાત્રા રાજ્યની 182 વિધાનસભાની સીટોમાં 144 બેઠકો પરથી થઈ પસાર થશે. પહેલી યાત્રા મહેસાણાના બહુચરાજીથી કચ્છ જિલ્લામાં માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. ત્રીજી યાત્રા અમદાવાદના જંજરકાથી અમદાવાદના સોમનાથ સુધી જશે.ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સ્થિત ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનઇથી અંબાજી સુધી જશે. અન્ય યાત્રાઓને ગૃહપ્રધાન અમિત શાહ લીલી ઝંડી દેખાડે એવી શક્યતા છે. આ યાત્રાઓમાં સમયાંતરે કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ નેતા સામેલ થશે.આ યાત્રાઓમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ સામેલ થશે. આ ગૌરવ યાત્રાના રૂટમાં આદિવાસી બહમતી વિસ્તારોને પણ સામેલ કરવામાં આવશે.

પહેલી ગૌરવ યાત્રા વર્ષ 2002માં રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં અને સાંપ્રદાયિક તોફાનો પછી કાઢી હતી. બીજી ગૌરવ યાત્રા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આયોજિત કરવામાં આવી હતી.

ભાજપે 2002માં રાજ્યની કુલ 182 વિધાનસભાની સીટોમાંતી 127 પર જીત હાંસલ કરી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો પર વિજય મળ્યો હતો, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને 77 સીટો પ્રાપ્ત થઈ હતી.