અમદાવાદઃ ભારત અને અમેરિકામાં ટેક્નોલોજી સોલ્યુશન અને ટેક-ઈનોવેશન ક્ષેત્રમાં જાણીતી ‘રાઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ દ્વારા પ્રતિ વર્ષે હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ‘હેકાથોન-2022’ (વેબ ડિઝાઈન કોમ્પિટિશન)માં આર.સી. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટના સત્યજીત ચૌધરીને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. હેકાથોનના પ્રિ-ક્વોલિફિકેશન રાઉન્ડમાં 290થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ટોપ-18માં સત્યજીત ક્વોલિફાઇડ થયો હતો. બાદમાં, તા.1લી મે-2022ના રોજ યોજાયેલા ફાઈનલ રાઉન્ડમાં ટોપ-18 સ્પર્ધકોએ ઉપસ્થિત રહ્યા, જેમાં સત્યજીતે નંબર-1નું સ્થાન મેળવ્યું.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, હેકાથોનની ફાઈનલમાં સવારે 8-00થી સાંજે 6-00 કલાક એમ સળંગ 10 કલાક સુધી 4 સ્ટેપમાં સ્પર્ધકોએ પ્રોબેલ્મ સોલ્યુશન કરીને વેબ ડિઝાઈન ડેવલપ કરવાની હતી. અમદાવાદની પ્રતિષ્ઠિત આર.સી. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટના ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સેકેન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 16 વર્ષીય સત્યજીત ચૌધરીએ હેકાથોનના ફાઈનલ રાઉન્ડમાં ‘વાઈલ્ડ લાઇફ’ અને ‘સ્પોર્ટ્સ પર્સન એમએસ ધોની’ની વેબસાઈટ ડેવલપ કરી હતી, જે આઈડીયા બેઝ અને ક્રિએટીવ હોવાથી જ્યુરીએ સત્યજીતને પ્રથમ સ્થાન માટે વિજેતા જાહેર કર્યો હતો. 16 વર્ષની નાની વયે ‘હેકાથોન’ જીતીને સિદ્ધિ મેળવનાર સત્યજીત ચૌધરીએ કહ્યું, ‘આ તો પ્રાઈમરી સ્ટેજ છે. બાકી મારે ગેમ ડેવલપિંગના ફિલ્ડમાં આગળ વધવું છે.’
સત્યજીત મૂળ ધાનેરા તાલુકાના જડિયા ગામનો વતની છે, જે રાજસ્થાન સરહદની પાસે આવેલું છે. હેકાથોનના પ્રિ-ક્વોલિફિકેશન રાઉન્ડમાં સત્યજીતે ‘ફ્રેગ્રન્સ ઓફ સાઉથ ઈન્ડિયન ફૂડ’ની થીમ આધારિત વેબસાઈટ ડેવલપ કરી હતી. સત્યજીત યુટ્યૂબ દ્વારા કોરોનાકાળમાં કોડિન્ગ શીખ્યો હતો, જેનું આ સફળ પરિણામ છે.