ગણપત યુનિવર્સિટીનો ૧૫મો દીક્ષા સમારોહ યોજાયો

ગણપત વિદ્યાનગર, મહેસાણાઃ “આજે તમે જ્ઞાનકૌશલ્ય પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છો ત્યારે તમને સૌને અભિનંદન આપતાં આશા પણ રાખું છું કે તમે હવે કારકિર્દી બનાવશો ત્યારે માત્ર વ્યક્તિગત પ્રગતિને મહત્ત્વ આપવાને બદલે ચારિત્ર્યશીલ રહીને સમાજનું ઋણ પણ અદા કરશો”.

આ શબ્દો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણપત યુનિવર્સિટીના પંદરમા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ સ્પર્ધામાં આગળ વધવામાં “નોલેજ પાવર” અનિવાર્ય છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી દાખવીને વિવિધ ક્ષેત્રની ૯૦થી વધુ યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી. ગણપતભાઈ પટેલની વિદ્યાપ્રીતિ અને ઉદાર સખાવતોની સરાહના કરતાં તેમણે કહ્યું હતું કે ગણપત યુનિવર્સિટીને કારણે ઉત્તર ગુજરાત વિદ્યાકીય ક્ષેત્રે ઉત્તમ બની ચૂક્યું છે. તેમણે કહ્યું હતું કે તમારા જ્ઞાનનો સમાજ માટે ઉપયોગ કરશો, તો સમાજ પણ તમને બે હાથ ફેલાવીને આવકારશે.

ચીફ – પેટ્રન તરીકે ઉપસ્થિત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે જેમાં કોઈ કાળે વગડો હતો ત્યાં આજે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે. આ યુનિવર્સિટીએ ઘણી પ્રતિષ્ઠા મેળવી છે તો સાથે સાથે વિશ્વના આધુનિક પ્રવાહો, પરિમાણો અને માનાંકોને ધ્યાનમાં રાખીને અહીં સફળ અને પ્રેરક કામ થઇ રહ્યું છે. યુનિવર્સિટીએ શરૂ કરેલી મરીન કોલેજની પહેલને બિરદાવીને તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમારામાંથી આપણે અનેક તેજસ્વી સંશોધકો મળશે. તેમણે ઉમેર્યું હતું કે કોઇ વ્યક્તિની નિષ્ઠા, તપસ્યા અને દીર્ઘદ્રષ્ટી કેવાં સુફળ આપી શકે છે તેનું ઉત્તમ દૃષ્ટાંત ગણપત યુનિવર્સિટી છે.

પોતાના પ્રમુખ પ્રવચનમાં પેટ્રન-ઈન-ચીફ અને પ્રેસિડન્ટ ‘પદ્મશ્રી’ ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું કે શીખવાની પ્રક્રિયા આખી જિંદગી ચાલતી હોય છે. તમને યુનિવર્સિટીમાંથી તમારા વિષયના સર્ટિફિકેટની સાથે સામે “ગુણીજન”નું પ્રમાણપત્ર પણ અપાયું છે. જીવનમાં સતત “ગુણી” બની રહેશો તો જીવનમાં ક્યાંય કાચા કે પાછા નહીં પડો તેની હું ખાતરી આપું છું. તેમણે ઉમેર્યું હતું કે સફળતાની સાથે મૂલ્યનિષ્ઠા, ચારિત્ર્ય અને સંવેદનાને કયારેય ભૂલતા નહીં. તેમણે પદવી મેળવનાર યુવાનોને શીખ આપી હતી કે તમારી સફળતામાં તમારા પરિવાર, શિક્ષકો સહિત અનેક લોકોનું પ્રદાન હોય છે. તે પ્રદાનને ક્યારેય ભૂલતાં નહીં.

તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકારે ગણપત યુનિવર્સિટીએ કરેલા શીઘ્ર સહયોગ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે જો તમે જીવનમાં કંઈક કરવાનો અને કઈ આપવાનો અભિગમ રાખશો તો આપ જે ઈચ્છતા હશો તે આપોઆપ મળશે. ભારતમાં શ્રેષ્ઠ યુવાધન છે આ યુવાધનની મદદથી આત્મનિર્ભર ભારતના સ્વપ્ન સાકાર કરવામાં સફળતા મળશે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અને તેમના પરિવારની વિદ્યાનીતિ અને કરોડો રૂપિયાની સખાવતને બિરદાવતાં કહ્યું હતું કે તેનાં શ્રેષ્ઠ ફળ ભારતને મળશે.

સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. પ્રો.મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાકીય વિકલ્પોની માહિતી આપીને સિદ્ધિઓની છણાવટ કરી હતી. તેમણે યુનિવર્સિટીની વિવિધ તરાહો દર્શાવીને કોરોના જેવી મહામારીમાં યુનિવર્સિટીએ કરેલી કામગીરી વિશે પણ વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે યુનિવર્સિટીની મરીન એન્જિનિયરિંગની વિદ્યાર્થિની હેલી સોલંકીનો વિશેષ વિડીયો રજૂ કરાયો હતો. હેલી સોલંકી ભારતની પ્રથમ મર્ચન્ટ નેવી કેડેટ છે તો ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દોડમાં પ્રતિનિધિત્વ કરનારા દિવ્યાંગ હરેશકુમાર તાધાનીને પદવીદાન સમારોહના દિવસે જ  ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો, જે ગણપત યુનિવર્સિટીને વિશેષ ગૌરવ આપનારી ઘટના હતી.

યુનિવર્સિટી બોર્ડના સભ્ય પ્રકાશભાઈ જાનીએ પ્રાસંગિક પ્રવચન કરતાં પદ્યશ્રી ગણપતભાઈ સહિત તમામ દાતાઓની વિદ્યાપ્રીતિ અને પ્રતિબદ્ધતા માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કુલ ૩૭૯૨ વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી જેમાં ૨૬૮૪ યુવકો અને ૧૧૦૮ યુવતીઓનો સમાવેશ થયો હતો. ૩૭ વિદ્યાર્થીઓ સહિત કુલ ૭૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ પદવીદાન સમારોહમાં ૨૦ સંશોધકો, ૧૦૨૨ પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૫૯ પીજી ડીપ્લોમા, ૧૬૩૦  અંડર-ગ્રેજ્યુએટ, ૧૦૬૧ ડિપ્લોમા મેળવનારને પદવીઓ એનાયત થઈ હતી. વિષય-વાર જોઈએ તો એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ૧૭૨૮, ફાર્મસીના ૧૦૭, કોમ્પ્યુટર એપ્લીકેશનના ૫૫૪, મેનેજમેન્ટ સ્ટડીઝના ૩૫૮, આર્કિટેક્ચર ડિઝાઇન અને પ્લાનિંગના ૩૮, સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝના ૧૦૬ અને વિજ્ઞાનના ૯૦૧ વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી.

સમગ્ર સમારોહ ગણપત યુનિવર્સિટીના પરિસરમાં, ઓપન સભાગૃહ ખૂબ જ ઉત્સાહ, ઉર્જા અને આનંદ સાથે યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, ધારાસભ્યો રમણભાઇ પટેલ અને કરશનભાઇ સોલંકી, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,  યુનિવર્સિટીના વિવિધ વિભાગોની ફેકલ્ટી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, ફેકલ્ટી-મેમ્બર્સ, પ્રોફેસરો, સંસ્થાના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો,  વિવિધ શાળા-કોલેજના, તેમજ વાલીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]