ગાંધીનગરઃ રાજ્ય સરકારની ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આવતા વર્ષે 11-13 જાન્યુઆરી, 2024માં યોજાવાની વકી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છેલ્લે વર્ષ 2019માં આયોજિત થઈ હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. ૧૩૬૦ કરોડનાં મૂડીરોકાણ માટે છ જેટલા MoU ગાંધીનગરમાં આજે કરવામાં આવ્યા હતા.
આગામી વાયબ્રન્ટ સમિટ-2024 પૂર્વે રાજ્ય સરકારે અત્યારથી જ વિવિધ ઉદ્યોગગૃહો સાથે MoU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત, આજે રાજ્ય સરકારે એન્જીનિયરીંગ, ટેક્સ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કુલ રૂ. 1360 કરોડના રોકાણોથી ઉદ્યોગની સ્થાપના માટેના 6 MoU કર્યા… pic.twitter.com/wU6OUjIUBm
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2023
આ સદર્ભે એન્જિનિયરિગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડનાં મૂડીરોકાણો માટે ત્રણ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરવામાં આવશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU અંતર્ગત ટેક્સટાઇલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. આ સાથે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.