અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન અતિ ગંભીર બની રહી છે. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 11,000ને પાર થયો છે અને છેલ્લા 24 કલાકમાં શૌથી વધુ 11,403 નવા કેસ નોંધવામાં આવ્યા છે અને 117 દર્દીના મોત થયા છે. સતત 20મા દિવસે ઓલટાઇમ હાઇ કેસ નોંધાયા છે.
એક બાજુ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાને કારણે થતાં મોતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વળી, મોત થયા બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડી છે, કેમ કે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને હવે એમાં મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે.
કોરોનાને કારણે મોતમાં વધારો થતાં મૃતદેહ લઈ જવા માટે સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે છતાં મૃતદેહ લઈ જવા માટે હવે શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના સિવિલ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં.
સ્કૂલવાનનો શબવાહિની તરીકે ઉપયોગ
સુરતમાં કોરોનાના વધુ 1879 કેસ નોંધાયા છે અને 28 લોકોનાં મોત થયાં છે. આવામાં હોસ્પિટલથી સ્મશાન સુધી વેઇટિંગ જોવા મળી રહ્યું છે. આવામાં મૃતદેહોને સ્મશાન લઈ જવા માટે શબવાહિનીઓ ખૂટી પડવાના કારણે હવે બહારથી ખાનગી વાહનો મગાવવામાં આવી રહ્યા છે. આવામાં શબવાહિનીનું કામ કરવા માટે સ્કૂલવાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.