અમદાવાદ: રોડ પર દોડતી લાઇફલાઇન એટલે કે 108 ઇમરજન્સી એમ્બ્યૂલન્સ સેવામાં વધુ એક ઉપયોગી છોગું આજે ગુજરાતની જનતાની સેવામાં ઉમેરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 108ની મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું છે. ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને આ સાથે આગળ વધારવામાં આવ્યો છે.108 મોબાઈલ એપ્લિકેશનથી જોડાવાથી ઝડપી અને સમયસર સેવાઓ મળી રહેશે. આ મોબાઈલ એપના ઉપયોગથી 108ને કોલ કરનારી વ્યકિતનું ચોક્કસ સ્થળ ગૂગલ મેપના લેટ લોન્ગ સાથે મળી રહેશે. કોલ કરનારી વ્યક્તિને પણ 108 તેના સુધી કેટલા સમયમાં પહોંચશે, નજીકમાં કઈ ખાનગી કે સરકારી હોસ્પિટલ છે તે અંગેની તમામ જાણકારી આ એપના માધ્યમથી મળી શકશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ક્યાંલઈ જવામાં આવી રહ્યો છે તે પણ જાણવા મળશે. જેથી ઇજાગ્રસ્તના પરિજનોને પણ ત્યાં પહોંચવામાં સરળતા રહેશે.આ સાથે સીએમે દરિયા કિનારે વસતાં સાગરખેડૂઓ માટે પ્રથમ 108 ઈમરજન્સી બોટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત 108 સેવા કાફલામાં નવી 10 એમ્બ્યુલન્સ જોડવામાં આવી છે. હાલ રાજ્યભરમાં 585 એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમાં આ વર્ષે નવી 125 એમ્બ્યુલન્સ ઉમેરાવાની છે જેને લઇને 650 એમ્બ્યુલન્સ દિવસરાત સેવા આપશે.સીએમ રુપાણી ઉપરાંત નાયબ સીએમ નિતીન પટેલ, આરોગ્યપ્રધાન કિશોર કાનાણી તેમ જ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.