અમદાવાદઃ પંચમહાલના યાત્રાગામ પાવાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે. માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવવામાં આવી રહેલી એક કુટિરનો ઘુમ્મટ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 10 યાત્રિકો પથ્થર નીચે દબાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને એકનું મોત થયું છે. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે અને ઇજાગ્રસ્તોને હાલોલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાવાગઢના માચીમાં આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 10 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. ગઈ કાલે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં ત્રણ મહિલાઓ, પાંચ પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટનામાં પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાને ભાગે અને બંને પગ ભાંગી જતાં ગંભીર ઈજા હતી. જ્યારે અન્ય એક મહિલા પર પડતાં તે પણ ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે સ્થાનિકોએ અને અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનોમાં હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીનાં દર્શને આવેલાં હતાં.