ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા ભારે વરસાદ વરસી રહ્યા છે. ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.17 ઇંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદને કારણે હવે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઠંડી પણ અનુભવાઈ રહી છે. જેમાં ગઈકાલે એટલે કે 1 જુલાઈના રોજ 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.17 ઇંચ અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
