અમદાવાદ: ઇઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ‘સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો ચાલુ રહે તે જોવાની છે.’
ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘રાંધણ ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે જોવાની છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મૂક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.’ 
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.




