ગુજરાતમાં ધો.10માં બેઝિક-ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ધો.10માં બેઝિક-ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થી પણ A ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ હોવું ફરજિયાતનો નિયમ રદ કરાયો છે. જેમાં પ્રવેશની ક્ષમતાને લઈ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કેટલાક નિયમો જાહેર કરવામાં આવશે.
ધોરણ.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ A ગ્રુપમાં પ્રવેશપાત્ર ગણવામાં આવશે. ધોરણ.11 સાયન્સમાં A ગ્રુપમાં પ્રવેશ માટે ધોરણ.10 સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ કરવુ ફરજિયાત હોવા અંગેનો નિયમ રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે બુધવારે કરાયેલી જાહેરાત મુજબ, ધોરણ.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ A ગ્રુપમાં પ્રવેશપાત્ર ગણવામાં આવશે. પ્રવેશને લઈ મુશ્કેલી અને વ્યવસ્થા ખોરવાય નહી એ માટે શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવશે. આ વખતે સાયન્સમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યાં છે, જેમાં વધુ એક આ નિર્ણય લેવાયો છે.
ધોરણ.10ની બોર્ડ પરીક્ષામાં દર વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થતા હતા. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-2021-22થી ધોરણ.10માં બેઝિક એટલે કે સહેલુ ગણિત અને સ્ટાન્ડર્ડ એટલે કે, અધરૂ ગણિત એવા બે વિકલ્પ વિદ્યાર્થીઓને આપવાના શરૂ કર્યાં હતા. બે વિકલ્પ આપતી વખતે બોર્ડ દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીએ ધોરણ.10 ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધોરણ.11માં વિજ્ઞાન પ્રવાહમાં ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે પરંતુ ‘A’ અથવા ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવી ન શકે. A ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો સ્ટાન્ડર્ડ ગણિત સાથે જ ધોરણ.10 પાસ કરવુ ફરજિયાત છે.