ભાર વિનાના ભણતર માટે સદાય કસરત કરતા શિક્ષણ તંત્ર દ્વારા નવો પરિપત્ર જારી કરીને પ્રાથમિક શાળાના બાળકો માટે રાહત આપવાના નિયમોનો આદેશ કરાયો છે. નવી શિક્ષણ નીતિ મુજબ જુલાઇ મહિનાથી જ તેનો અમલ કરવાનો છે. પરિણામે 1 જુલાઇ 2025ના શિક્ષણ વિભાગે તેનો પરિપત્ર જાહેર કરી દીધો છે. શનિવાર હવે ‘નો સ્કૂલબેગ ડે’ રહેશે.
બાળકોએ દફ્તર વિના શાળાએ જવાનું
હવે દર શનિવારે બાળકોએ દફ્તર વિના જવાનુ રહેશે. ખાસ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ કરવમાં આવી રહી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘નો સ્કૂલબેગ ડે’ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
પાંચ જુલાઇ, શનિવારથી જ ગુજરાતમાં અમલ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા 5 જુલાઈ શનિવારથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર જ શાળા પર આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે. શિક્ષણ સાથે સંકળાયેલાઓના જણાવ્યા મુજબ બાળકોને ઇત્તર પ્રવૃત્તિ સાથે શિક્ષણમાં જોડવાના આયામો અમલી બનાવાઇ રહ્યા છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ પણ આ નિયમોમાં રહેલો છે.
કસરત, સંગીત, યોગ સહિતનું આયોજન સંભવ
મનોશારીરિક વિકાસ, રમત-ગમત, યોગ, સંગીત વગેરે બાબતોનો શિક્ષણમાં સમાવેશ કરવા શનિવારનો દિવસ બાળકો માટે બેગલેસ ડે તરીકે જાહેર થયો છે. જોકે, શનિવારે ઇત્તર પ્રવૃત્તિઓમાં શું કરાશે તે વિશે શાળા સમિતિ નક્કી કરી શકે છે. ખાસ કરીને શારીરિક અભ્યાસ, કસરતો, યોગ તથા બાળસભા પણ યોજવાની સૂચના આપવામાં આવી છે. જોકે આ મામલે પ્રાથમિક શિક્ષણ તંત્રનું મોનિટરિંગ રહેશે.
