વિધાનસભા ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો, જી.એસ.ટીના કૌભાંડીઓ, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધીની પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે, સંજોગોની મજબૂરીના કારણે અથવા ક્ષણિક આવેગમાં થયેલા કોઇ નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપીઓને આ કાયદો લાગુ પડતો નથી. આવા તમામ મોટા ગુનેગારો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સર્જીકલ સ્ટ્રાઇક એટલે આ કડક કાયદો છે.
સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે
હર્ષ સંઘવીએ કહ્યુ કે, કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર છે. જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શન અને સોમનાથ મહાદેવના ત્રિશૂળથી ભય પામે છે તેમ ગુનાહિત પ્રવૃત્તિ કરીને ગુનો આચારનારા લોકો આ કાયદાથી ભય પામે છે. આ કાયદો ગરીબો અને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારો પાસેથી જપ્ત કરી ગરીબો, શોષિતો અને વંચિતોના વિકાસ માટેનું ગંગાજળ છે. સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે ઘણા ગુનાઓ ગંભીર હોય છે પરંતુ તેમાં સજા ઓછી હોય છે.જેથી આવા ગુનાના આરોપીઓ જામીન ઉપર છુટીને વારંવાર ગુનાહીત પ્રવૃતિ આચરતા રહે છે અને આવા ગુનાઓના માધ્યમથી આર્થિક રીતે પણ સદ્ધર થતા જાય છે.