ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે લાંબા સમય બાદ મોટાં સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની મહાભરતીની જાહેરાત કરવામાં આવી છે. TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક સમાન છે.
મહત્વની તારીખો અને સમયમર્યાદા
જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે. પારદર્શક પદ્ધતિથી પ્રક્રિયા હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે.

