સરહદના વીર જવાનોની રક્ષા માટે આંગણવાડી બહેનોએ ૪.૫૦ લાખથી વધુ રાખડી મોકલી

ગાંધીનગર: પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત-દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે રાજ્યની આંગણવાડીની બહેનો દ્વારા ૪.૫૦ લાખથી વધુ રાખડી મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં આ રાખડી કળશ ભારતીય સેના, BSF, CRPF અને NDRF ના અધિકારીઓને પ્રતિકરૂપે સુપ્રત કરવામાં આવ્યો હતો.દેશની સીમાઓ સાચવતા અને પરિવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનોએ આ રક્ષાસૂત્રો તૈયાર કર્યા છે. “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી આ સરાહનીય પ્રયોગ કરી રહ્યું છે, જેથી સરહદ પર દેશનું રક્ષણ કરતા જવાનોને પણ ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારનો અહેસાસ થઈ શકે. ગુજરાતની બહેનોએ વીર જવાનોને રાખડીઓ મોકલીને ભાઈ-બહેનના પ્રેમના પર્વને રાષ્ટ્રભક્તિથી સભર બનાવ્યો છે. ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકર, મહિલા બાળ કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ સુરક્ષા દળોના અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા.