બિપરજોય વાવાઝોડાને પગલે GSSSB અને GPSCની વર્ગ-2ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

GPSC દ્વારા તારીખ 19 જૂનના રોજ આયોજિત મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે બાકીની પરીક્ષાની તારીખો યથાવત રહેશે. જેમાં તારીખ 21 અને 23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે.

19 જૂનની મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મુલતવી 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા (લેખિત) તારીખ 19, 21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈને તારીખ 19 જૂન-2023ના રોજ યોજાનાર પેપર-1 અને 2ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઇ રહી છે. તેવામાં મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તારીખ 21 અને 23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 


GSSSB દ્વારા લેવાનાર ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા પણ મોકૂફ

બિપરજોય વાવાઝોડાને પગલે GPSC દ્વારા તારીખ 19 જૂનના રોજ આયોજિત મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવામાં હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાનાર ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા પણ મુલતવી રખાવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાનાર ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3 સંવર્ગની કૌશલ્ય કસોટીની પરીક્ષા અગાઉ 17 અને 18 જૂનના રોજ યોજાવાની હતી જે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુલતવી રખાયેલ પરીક્ષાની નવી તારીખ મંડળ તરફથી જાહેર કરવામાં આવશે.