નવી દિલ્હીમાં ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમના ઉદ્ધાટનની ઉજવણી

નવી દિલ્હી: ભારતમાં ઇજિપ્તના દૂતાવાસ દ્વારા તેમની સંસ્કૃતિને સમર્પિત વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય- ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમ (GEM)ના પ્રારંભની ઉજવણી કરવામાં આવી. મ્યુઝિયમના ભવ્ય ઉદ્ઘાટનની યાદમાં નવી દિલ્હીના ઇજિપ્ત હાઉસ ખાતે એક શાનદાર ગાલા ઈવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું નેતૃત્વ ભારતમાં ઇજિપ્તના રાજદૂત કામેલ ગલાલ અને રેહમ હંદૌસા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજદૂત મોનિકા કપિલ મોહતા અને સિદ્ધાંત મોહતા દ્વારા સ્થાપિત સાંસ્કૃતિક પહેલ ઇજિપ્ત એર અને સોપાન દ્વારા સહ-આયોજિત કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને લા’ઓપેરા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.આ ગાલા ઈવનિંગમાં અનેક રાજદ્વારીઓ, બિઝનેસ મેન અને નેતાઓ હાજર રહ્યા હતા. અહીં સાંસ્કૃતિક ચિહ્નોનો એક ભવ્ય મેળાવડો જોવા મળ્યો હતો. સાંજની શરૂઆત ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમની ભવ્યતા દર્શાવતી ફિલ્મની પ્રસ્તુતિથી થઈ. ત્યાર બાદ ભારતીય શાસ્ત્રીય લય સૌંદર્યલક્ષી કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. રાત્રિનું મુખ્ય આકર્ષણ આ પ્રસંગ માટે ખાસ આમંત્રિત ઇજિપ્તીયન કલાકાર દ્વારા જીવંત તનોરા નૃત્ય હતું.મહેમાનોને ઇજિપ્તની ક્યુરેટેડ VIP મુસાફરીના અનુભવની ઝલક પણ આપવામાં આવી હતી – જેમાં મ્યુઝિયમ અને દેશના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની વિશિષ્ટ મુલાકાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉજવણીનું સમાપન ઇજિપ્તીયન ભોજન સાથે થયું.

આ પ્રસંગે રાજદૂત કામેલ ગલાલે જણાવ્યું કે, “ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમ ઇજિપ્તના કાયમી વારસા અને માનવ સંસ્કૃતિમાં તેના અજોડ યોગદાન માટે એક સ્મારક પુરાવા તરીકે તૈયાર થયું છે. તે માનવતાને ઇજિપ્તની ભેટ છે – આપણા પ્રાચીન ભૂતકાળ અને આપણી આધુનિક આકાંક્ષાઓ વચ્ચેનો પુલ.”

ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમ (GEM) વિશે

ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમ ગ્રેટ પિરામિડથી માત્ર બે કિલોમીટર દૂર ગીઝા પ્લેટુ પર સ્થિત છે. તે ઇજિપ્તની સૌથી મહત્વાકાંક્ષી સાંસ્કૃતિક સિદ્ધિઓમાંનું એક છે. 1.2 બિલિયન ડોલરના અંદાજિત ખર્ચે બે દાયકામાં તેને તૈયાર કરવામાં આવ્યું છે. તે 120 એકરમાં ફેલાયેલું છે, જે ઇજિપ્તના પ્રાચીન વારસાને આધુનિક સ્થાપત્ય સાથે જોડવા માટે પિરામિડ સાથે એકીકૃત રીતે ગોઠવાય છે.આ સંગ્રહાલયમાં 1,00,000થી વધુ કલાકૃતિઓ છે, જેમાં સંપૂર્ણ તુતનખામુન સંગ્રહ – લગભગ 5,000 વસ્તુઓ પ્રથમ વખત એકસાથે પ્રદર્શિત કરવામાં આવી છે. ખુફુની સૌર બોટ, વિશાળ મૂર્તિઓ, શાહી મમી અને ઐતિહાસિક હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.19 અત્યાધુનિક સંરક્ષણ પ્રયોગશાળાઓથી સજ્જ, GEM પુરાતત્વીય સંશોધન અને વારસા જાળવણી માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. સંગ્રહાલયનો વાર્ષિક 5-7 મિલિયન મુલાકાતીઓને આવકારવાનો અંદાજ છે, જે સાંસ્કૃતિક પર્યટન અને શિક્ષણ માટે નવા વૈશ્વિક ધોરણો સ્થાપિત કરશે.