નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર UPI પર MDR ચાર્જ ફરીથી લાગુ કરવાની તૈયારીમાં છે. એ ચાર્જ માત્ર UPI પર જ નહીં, બલકે રૂપે (Rupay) ડેબિટ કાર્ડ પર લગાવવામાં આવશે. જો આવું થશે તો ડિજિટલ પેમેન્ટ પ્રભાવિત થશે. આ ચાર્જને વર્ષ 2022માં સરકારે માફ કરી દીધો હતો, પરંતુ હવે ફિનટેક કંપનીઓનું કહેવું છે કે મોટા વેપારી એને વહન કરવાની ક્ષમતા રાખે છે. જેથી આવા વેપારીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લગાવવામાં આવે એવી શક્યતા છે.
વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI) શરૂ થયા બાદ દેશમાં ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. મોટા કોર્પોરેશનથી માંડીને નાના દુકાનદારો પાસે પણ UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, જેને કારણે ગ્રાહકોને પણ પેમેન્ટ કરવામાં સરળતા થઇ રહી છે. હાલ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો. એવામાં સરકાર UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે.
હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ વડે થતા ટ્રાન્ઝેક્શન પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી, પરંતુ બેંકો મોટા ઉદ્યોગો પાસેથી હવે ફી વસૂલવા માગે છે. બેંકોએ આ અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જોકે નાના વેપારીઓ માટે UPI પહેલાની જેમ મફત જ રહેશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
આ મુજબ, સરકાર એક ટીયર સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે, જે મુજબ મોટા વેપારીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવશે, જ્યારે નાના વેપારીઓને છૂટ આપવામાં આવશે અથવા ઓછી ફી લાગવવામાં આવશે.હવે જો UPI પર MDR લાગશે તો ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવી શકે છે, જેને કારણે સામાન્ય ગ્રાહકના ખિસ્સાને અસર થઇ શકે છે.
