દિલ્હીમાં મનસુખ માંડવિયાની હાજરીમાં પીએમ મોદીએ લખેલો ગરબો પ્રસ્તુત

દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબાની પ્રસ્તુતી કરવામાં આવી હતી. છેલ્લા 27 વર્ષથી દિલ્હી ખાતે યોજાતા ‘દાંડીયા મસ્તી’ ના ગરબામાં મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં આ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.

નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે એવામાં પીએમ મોદીના ગરબા પર લોકોએ ગરબા કર્યા હતા. દિલ્હીમાં જાણીતી ગુજરાતી સંસ્થાઓ સહકાર અને ગુજરાતી વિકાસ મંડળના ઉપક્રમે દર વર્ષે જી.ટી.કર્નાલ રોડ પર રજવાડા પેલેસ ખાતે ‘દાંડીયા મસ્તી’નું આયોજન કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ દાંડિયા મસ્તીમાં ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી હતી.

દાંડીયા મસ્તીમાં અમદાવાદની કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલના લાઇવ મ્યુઝીક પર લોકો હોંશે હોંશે ગરબા રમે છે. આ વખતે સહકારના સંસ્થાપક જગદીપ રાણા દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તેમણે કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો ‘આવતી કળાય માડી, આવતી કળાય’સ્ટેજ પર ઉપસ્થિત કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો અને તેના પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો આ પહેલા પણ લોકપ્રિય થઇ ચુક્યો છે.