ગેમિંગની લતઃ વ્યક્તિએ માતા-પિતા અને બહેનની હત્યા કરી

નવી દિલ્હીઃ કેરળની એક જિલ્લા કોર્ટે કૈડેલ જીનસન રાજા નામના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2017માં આ વ્યક્તિ પર ત્રણ દિવસની અંદર પોતાની માતા, પિતા, બહેન અને કાકીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. 35 વર્ષના આ શખસને એક દિવસ અગાઉ આ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ 2017ની પાંચથી આઠ એપ્રિલ વચ્ચે આ હત્યાઓને અંજામ આપી હતી. ન્યાયાધીશ કે. વિષ્ણુએ કૈડેલને રૂ.15 લાખનો દંડ ભરવાનો પણ હુકમ આપ્યો છે. આ દંડ તેનો કાકા જોસ સુંદરમને ચૂકવવાનો રહેશે.

આ ભયાનક હત્યાકાંડ અંગે આરોપી કૈડેલ જીનસન રાજાએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને હત્યાઓ એક ગુપ્ત પ્રયોગનો ભાગ હતી. બીજી તરફ, સરકારી વકીલ તરફથી સાબિત કરવામાં આવ્યું કે આ ગુનો યોજના સાથે કરવામાં આવ્યો હતો અને એ તેના પરિવાર સામેના ગુસ્સાને કારણે થયો હતો.

સરકારી વકીલોએ દાવો કર્યો કે કૈડેલ વિદેશમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો ન કરી શકવાને કારણે નિરાશ હતો. તે પોતાના શ્રીમંત પરિવારમાં એકલવાયો રહેવાને કારણે ગુસ્સામાં હતો. ઉપરાંત તે હિંસક વિડિઓ ગેમ્સ અને અન્ય ઓનલાઇન કન્ટેન્ટથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

વિડિયો ગેમ બતાવવાને બહાને કરી હત્યા

5 એપ્રિલે કૈડેલે તેનાં માતા, પિતા અને બહેનને પોતાના રૂમમાં બોલાવી કહ્યું કે તે એક નવી વિડિયો ગેમ બતાવવાનો છે, જે તેણે બનાવી છે તેમ દાવો કર્યો. પછી તેણે ઓનલાઇન ખરીદેલા છરીથી તેમના પર હુમલો કર્યો. ત્યાર પછીના 48 કલાકમાં તેણે પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા. જ્યારે ઘરકામ કરનાર મહિલા આવી, ત્યારે તેણે કહ્યું કે બધા સભ્યો ઘરની બહાર ગયા છે અને તે પોતાનું ભોજન બહારથી મગાવશે. 8 એપ્રિલે રાત્રે કૈડેલે પોતાના માતા, પિતા અને બહેનના મૃતદેહોને સળગાવ્યા, પણ આગ પર નિયંત્રણ રહી ન ગયું. તે પછી કેડેલ લગભગ 800 કિલોમીટર દૂર ચેન્નઈ ભાગી ગયો હતો.