નવી દિલ્હીઃ બેલ્જિયમમાં પોલીસે પંજાબ નેશનલ બેન્ક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. 65 વર્ષીય ચોક્સીની શનિવારે CBI ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે.
મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 13,500 કરોડ રૂપિયાની લોનની છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.
મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ વોરન્ટ 23 મે, 2018 અને 15 જૂન, 2021એ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માગ કરી શકે છે એમ અહેવાલ કહે છે.
Absconding jeweller Mehul Choksi detained in Belgium on India’s extradition request for his role in PNB bank loan ‘fraud’ case: Officials
— Press Trust of India (@PTI_News) April 14, 2025
પીએનબી કૌભાંડના 13,850 કરોડ રૂપિયાના આરોપસર મેહુલ ચોક્સી પર CBI અને ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છુપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવામાં આવી રહી છે.
જાન્યુઆરી 2018માં મેહુલ ચોક્સીના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેન્કમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનું બીજું સૌથી મોટું બેન્ક કૌભાંડ હતું. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ED એ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદે રીતે જપ્ત કરી છે.
