ફિલિપીન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ

નવી દિલ્હીઃ ફિલિપિન્સની પોલીસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય એટલે કે ICCએ તેમના પર માનવતાની સામે અપરાધનો આરોપ લગાવીને એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જે પછી ફિલિપિન્સની પોલીસે મનિલાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યા હતા.

દુતેર્તેની પોલીસે ફિલિપિન્સની રાજધાની મનીલા એરપોર્ટ પરથી ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ હોંગકોંગથી પરત ફરી રહ્યા હતા. દુતેર્તેએ 2016થી 2022 સુધી દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ રહેતા નશીલા પદાર્થોની સામે કાર્યવાહી કરી હતી. જેમાં કથિત પ્રકારે હજારો લોકો માર્યા ગયા હતા.

તેમની ધરપકડ થવા પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ જેલ જવા માટે તૈયાર છે. ફિલિપિન્સમાં માનવાધિકાર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધને આ ધરપકડને ‘ઐતિહાસિક ક્ષણ’ ગણાવી છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે દુતેર્તે વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર નેધરલેન્ડની રાજધાની હેગમાં છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે ચોક્કસ સંજોગોમાં નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, વોર ક્રાઈમ વગેરે જેવા ગુનાઓ માટે વ્યક્તિઓની તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા છે.

ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોંગકોંગથી આવ્યા બાદ દુતેર્તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઈન્ટરનેશનલ કોર્ટના આદેશથી તેમની સામે કાર્યવાહી કરી હતી.

દુતેર્તે પર આરોપ છે કે તેમણે તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ડ્રગ્સના વેપાર સામે પગલાં લીધા હતા, જેના પરિણામે મોટા પાયે હત્યાઓ થઈ હતી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 1 નવેમ્બર 2011એ દુતેર્તે વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. તે સમયે દુતેર્તે ફિલિપિન્સના દાવો શહેરના મેયર હતા. ICCની તપાસ 16 માર્ચ 2019 સુધી ચાલુ રહી. દુતેર્તેના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ICC તપાસને રદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ICCએ દુતેર્તેની માગને ફગાવી દીધી હતી. દુતેર્તે 2022માં ફિલિપિન્સમાં સત્તા પરથી હટ્યા હતા.