બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા

નવી દિલ્હીઃ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલસજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પાંચમાંથી ચાર ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા છે. ત્યાર બાદ કોર્ટે જાયર બોલ્સોનારોને 27 વર્ષની જેલસજા સંભળાવી હતી. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષિત ગણવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું કાવતરું રચવું, લોકશાહી કાયદાકીય વ્યવસ્થા હિંસક રીતે ખતમ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર ગુનાહિત સંગઠનમાં ભાગીદારી, ગંભીર નુકસાન પહોંચાડવું અને વારસાગત સ્થળોને હાનિ જેવા આરોપો સામેલ છે.

સુપ્રીમ કોર્ટે બીજી સપ્ટેમ્બરે કેસની સુનાવણી શરૂ કરી હતી, જેમાં દોષી ઠેરવવા માટે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠમાં બેન્ચના બહુમતની જરૂર હતી. ન્યાયમૂર્તિ એલેક્ઝાન્ડર ડી મોરેસ અને ફ્લાવિયો ડિનોએ બોલ્સોનારોને સંબંધિત આરોપોમાં દોષિત ગણાવ્યા હતા, જ્યારે ન્યાયમૂર્તિ લુઇઝ ફુક્સે બુધવારે તેમને છોડી મૂકવાની તરફેણમાં મત આપ્યો હતો. ન્યાયમૂર્તિ કાર્મેન લુસિયા અને ક્રિસ્ટિયાનો જાનિને ગુરુવારે તેમને દોષિત ઠેરવવા માટે મત આપ્યા હતા.

જોકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પાસે સજાના આ નિર્ણયને પડકારવાની તક છે. તેઓ આ નિર્ણય વિરુદ્ધ 11 ન્યાયાધીશો ધરાવતી સંપૂર્ણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાલમાં 70 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નજરકેદ હેઠળ છે. આ પરિસ્થિતિમાં તેઓ સુનાવણીના અંતિમ તબક્કામાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા નહોતા. તેમણે આ કેસને 2026ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની ઉમેદવારી રોકવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.