IAS એ કે રાકેશ બન્યાં ગુજરાતના નવા ગૃહ સચિવ

લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના અધિક ગૃહ સચિવને હટાવાયા

ગુજરાતના અધિક ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબિ ધરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

પંકજ જોશીને કેમ હટાવાયા?

7 રાજ્યમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેમની પાસે સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં એડિશનલ ચાર્જ હતા, જે ચૂંટણીપ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા, ખાસ કરીને કાનૂન વ્યવસ્થા સુરક્ષાબળની તહેનાતીને લઇને પણ સમાધાન કરી શકતા હતા.મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના સંદર્ભમાં ચૂંટણીપંચની સૂચનાઓનું પાલન કર્યું ન હતું, જે 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું હતું.