નવી દિલ્હીઃ દિલ્હીમાં હાલમાં સૌથી મોટી ચિંતા યમુનાનો વધતું જળસ્તર છે. હથિનીકુંડ બેરેજમાંથી સતત છોડવામાં આવતું પાણી રાજધાની માટે ખતરની ઘંટી સાબિત થયું છે. સોમવારની સવારે બેરેજમાંથી અંદાજે 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અંદાજ છે કે તેની સીધી અસર દિલ્હીમાં પડશે. યમુનાનું જળસ્તર હવે ખતરના નિશાન 205.33 મીટરથી વધી 206.50 મીટર સુધી જઈ શકે છે. ગયા વર્ષે 2023માં યમુનાનું જળસ્તર 208.66 મીટર સુધી પહોંચી ગયો હતો અને અનેક વિસ્તારોમાં ઘરોમાં 8-8 ફૂટ પાણી ભરાયાં હતાં.
આગ્રામાં પણ યમુનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું જળસ્તર એલર્ટ લેવલથી ઉપર પહોંચી ગયું છે. ઘાટથી લઈને સ્મશાન સુધી બધું જ જળમગ્ન થઈ ગયું છે. તાજગંજ સ્મશાનઘાટનો મોક્ષધામ સ્થાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આગ્રા પ્રશાસન એલર્ટ પર છે. યમુના કિનારે રહેતા લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.હથિનીકુંડમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જે આગામી 48 કલાકમાં દિલ્હીમાં પહોંચવાનું છે. એ જ ભયથી યમુના કિનારે રહેતા લોકોએ હવે સલામત સ્થળોની શોધમાં સ્થળાંતર શરૂ કર્યું છે.
ઘર છોડવા મજબૂર લોકો
યમુનામાં પૂરના ખતરાને જોતા લોકોએ રાત્રે જ પોતાનો સામાન સલામત સ્થળોએ પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલી વરસાદને કારણે સોમવારે યમુનાનું જળસ્તર વધી ગયું હતું. દિલ્હીના છ જિલ્લાઓમાં અંદાજે 15,000 લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, જેમાંથી આશરે 5,000 લોકો યમુનાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વસેલા છે. હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં સક્રિય મોસમ રહેવાની આગાહી કરી છે. એ સાથે-સાથે અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની આશંકા છે.
