વકફ ટ્રસ્ટને નામે ગેરકાયદે ભાડાં વસૂલવા બદલ પાંચ જણની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  અમદાવાદના જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ નજીકના ચોબદારના ડહેલામાં રહેતા મોહંમદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમનું મકાન કાચની મસ્જિદના ટ્રસ્ટની માલિકીનું છે અને તેનો કબજો વક્ફ બોર્ડ પાસે છે, જે મકાન 80 વર્ષ પહેલાં પચ્ચીસ પૈસાના ભાડેથી મોહંમદ રફિકના પિતાને મળ્યું હતું. જમાલપુરમાં કાચની મસ્જિદ ટ્રસ્ટની સાથે શાહ બડા કાસમ ટ્રસ્ટ પણ આવેલું છે. આ બંને ટ્રસ્ટ મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં નોંધાયેલા છે. આ બંને ટ્રસ્ટની કુલ 27 જેટલી મિલકતોનું ભાડું બને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે. નિયમ મુજબ આ આવકના સાત ટકા વક્ફ બોર્ડમાં જમા કરાવવા પડે છે.

આ ટ્રસ્ટમાં વર્ષ 1980થી અબ્દુલ હબીબ શેખ, અમીરૂદ્દીન અબ્દુલહબીબ, મુસ્તુફા શેખ, ઇમાનખાન રસુલખાન, સરવરખાન પઠાણ, ખલીલ અહેમદ અને અબ્દુલ કરીમ શેખ ટ્રસ્ટી તરીકે હતા. આ ટ્રસ્ટની મિલકતોમાં 100 મકાન અને 25 દુકાનોનો સમાવેશ થાય છે, પરંતુ, જૂના ટ્રસ્ટીઓના મોત થયા પછી કેટલાક લોકોએ ટ્રસ્ટી હોવાના ખોટા સોંગધનામાં કરીને વહીવટમાં ગેરરીતિ શરૂ કરી હતી.

હાલ કાંચની મસ્જિદની બાજુમાં જમીન આવેલી છે. આ જમીન ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોપવામાં આવી હતી. જ્યાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉર્દૂ શાળા નંબર 9 અને 10 બનાવવામાં આવી હતી. પરંતુ ભૂકંપ વખતે ટ્રસ્ટીઓએ ખોટા લાભ લઇને વાત ફેલાવી હતી કે આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી જાનહાનિ થઈ શકે તેમ છે. જેથી આ સ્કૂલના અન્ય સ્થળે ટ્રાન્સફર કરાવી દીધી હતી. ત્યાર બાદ સ્કૂલની બિલ્ડિંગ તોડીને ટ્‌સ્ટીઓએ 10 દુકાનો બનાવી હતી.

જેમાં એક દુકાનમાં સલીમ ખાન પઠાણ નામની વ્યક્તિએ એક દુકાનમાં સોદાગર કન્ટ્રક્શનનની ઓફિસ ખોલીને અન્ય નવ દુકાનો ભાડે આપી દીધી હતી. જે ભાડાની રકમ મ્યુનિલિપલ કોર્પોરેશનમાં કે ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવી નહોતી. એટલું જ નહીં, કાચની મસ્જિદ પાછળ સલીમ ખાનની નજીકમાં રહેતા મંહમદયાસર શેખ, મેહમુદખાન પઠાણ, ફૈઝ મોંહંદમ ચૌબદાર અને સાહિલ યાકુબ શેખના નામ વક્ફ બોર્ડના ટ્રસ્ટી તરીકે દાખલ થયા ન હોવા છતાંય તેમણે 25થી 30 દુકાનો અને 200 જેટલાં મકાનોનાં ભાડાં વસૂલ્યાં હતાં આ ઉપરાંત છ માળના બે ગેરકાયદે એપાર્ટમેન્ટ પણ તૈયાર કરીને નાણાં પડાવ્યા હતા. આમ, સલીમ ખાન અન્ય ચાર માથાભારે શખસોએ વક્ફ બોર્ડની મિલકતો પર ગેરકાયદે કબ્જો કરીને મોટા પાયે છેતરપિંડી કરી હતી.